
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધની હત્યાના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે આ કેસમાં હત્યા અને લૂંટના આરોપસર એક પ્રેમી યુગલની ધરપકડ કરી છે. વાલકેશ્વર સોસાયટીમાં રહેતા બરકતભાઈ લાખાણીનો મૃતદેહ બે દિવસ પહેલા તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને લૂંટની શંકા હતી.
પોલીસે ઘટનાસ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ્યા ત્યારે, એક યુવક અને યુવતી એક્ટિવા પર સવાર જોવા મળ્યા. તેના આધારે તપાસ આગળ વધી અને બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા. પૂછપરછ દરમિયાન સ્નેહલાબા અને કિશન નામના આ પ્રેમી યુગલે ગુનો કબૂલ્યો.
70 વર્ષીય વૃદ્ધની હત્યાના કેસમાં બેની ધરપકડ
બંનેએ બે મહિના પહેલા નોકરી ગુમાવી હતી અને આર્થિક તંગીને કારણે તેમણે લૂંટનું આયોજન કર્યું હતું. સ્નેહલાબા એક વર્ષ પહેલા HDFC બેંકમાં કામ કરતી હતી, જ્યાં તે સોનાની લોનના સંબંધમાં બરકતભાઈને મળી હતી.
બરકતભાઈને સોનાના દાગીના પહેરવાનો શોખ હતો. સ્નેહલબાને આ ખબર હતી. આ માહિતીનો લાભ લઈને બંને તેના ઘરે પહોંચ્યા. પહેલા સ્નેહલબા વાતો કરતી રહી, પછી કિશન પાછળથી છરી વડે હુમલો કર્યો.
લૂંટના ઇરાદે વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી
ઝઘડા પછી, બંનેએ સાથે મળીને તેની હત્યા કરી અને સોનું અને રોકડ લઈને ભાગી ગયા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમને પકડી લીધા અને કોર્ટમાં રજૂ કર્યા.
