
ગુજરાત સરકારના સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ બેંક, નારણપુરા ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં વિવિધ સહકારી બેંક અને દૂધ ઉત્પાદક સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ, ગાંધીનગર અને બોટાદ જિલ્લાની સહકારી મંડળીઓનું મૂલ્યાંકન કર્યું હતું. દરેક ગામની જનસંખ્યા મુજબ લોકોને સહકારી મંડળીઓમાં જોડવાના પ્રયત્નો કરવા મંત્રીશ્રી દ્વારા હોદ્દેદારોને સૂચન કરવામાં આવ્યું હતું.
વધુમાં, ખેડૂતોને મહત્તમ ધિરાણ મળે, વિવિધ એપીએમસીના વેપારીઓના સહકારી બેંકમાં ખાતા ખોલવામાં આવે, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીની કામગીરીનો પ્રચાર થાય, લોકો બેંકમિત્ર કે માઈક્રો એટીએમનો વધુમાં વધુ ઉપયોગ કરતા થાય, ખેડૂતોને તેમના ખાતામાં ડાયરેક્ટ પેમેન્ટ મળે તેનું સૂચન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, આ સમીક્ષા બેઠકમાં જિલ્લા સહકારી મંડળીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વિવિધ સહકારી આગેવાનોએ મંત્રીશ્રી અને મહાનુભાવો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા.
ઉપરોક્ત સમીક્ષા બેઠકમાં ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક લિ.ના ચેરમેનશ્રી અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક લિ.ના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ, સી.ઈ.ઓ.શ્રી પ્રદિપભાઇ વોરા, ગુજરાત કો. મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેનશ્રી અશોકભાઇ ચોધરી, અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક લિ.ના સી.ઈ.ઓ.શ્રી એમ.એલ. બહેડીયા અને જનરલ મેનેજરશ્રી કિરીટભાઇ બાપોદરીયા, અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. (ઉત્તમ ડેરી)ના ચેરમેનશ્રી મોહનભાઇ ભરવાડ અને મેનેજીંગ ડીરેક્ટરશ્રી નરેન્દ્રભાઇ શર્મા, ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.(મધુર ડેરી)ના ચેરમેનશ્રી ડૉ. શંકરસિંહ રાણા અને મેનેજીંગ ડીરેક્ટરશ્રી ગૌરાંગકુમાર દિક્ષિત, બોટાદ દૂધ ઉત્પાદક સંઘ લી.(મધુસુદન ડેરી)ના ચેરમેનશ્રી ભોળાભાઈ રબારી અને મેનેજીંગ ડીરેકટરશ્રી ગોવિંદભાઇ ઓઝા અને સહકાર સચિવશ્રી હાજર રહ્યા હતા.
