
સોલા ઉમિયા કેમ્પસ ખાતે યોજાયેલા કલા ઉત્સવમાં ૭૮ શાળાના ૪૪૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
સોલા ઉમિયા કેમ્પસ ખાતે અમદાવાદ ગ્રામ્યનો જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો હતો. શ્રી મેઘમણી પરિવાર ઉમિયા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાયેલા કલા ઉત્સવમાં ૭૮ શાળાના ૪૪૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
એન.સી.ઈ.આર.ટી, ન્યુ દિલ્હી તથા સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ ‘વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર યોજાયો હતો. કાળા ઉત્સવ અંતર્ગત અલગ અલગ ૧૨ કેટેગરીમાં સ્પર્ધા મુજબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા, જેમાંથી પ્રથમ નંબરે આવનાર વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર ગાયન, વાદન, ચિત્રકલા પર આધારિત અનેકવિધ કલા કૃતિઓ રજૂ કરી હતી.
કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડો.બી.એન. પ્રજાપતિ, નોડલ અધિકારીશ્રીઓ, શિક્ષણ નિરીક્ષક શ્રી ચારુશિલાબેન મકવાણા, ઇન્દુબેન ચાવડા, સ્નેહલભાઈ વૈદ્ય, યજમાન શાળાના ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી મિનાક્ષીબેન પટેલ, નિર્ણાયક શ્રીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
