
આજે સંસદમાં રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે, ગુજરાતમાં મનરેગામાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે અને રોજગારી આપવાની ગેરંટી સાથે કોંગ્રેસની સરકાર જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે મનરેગાનો કાયદો લાવીને લોકોને પૂરી રાહત મળે તે માટેની ચિંતા કરી હતી. ભાજપે મનરેગાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને પૈસા મળે તેના બદલે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે.
દાહોદમાં જ ત્રણ-ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવી પડી છે. આ ફરિયાદ દાખલ કરનારા એ સરકારના જવાબદાર અધિકારીઓ છે. શક્તિસિંહ ગોહિલના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે એ પણ સ્વીકાર્યું છે કે, મોટો ભ્રષ્ટાચાર હોવાના કારણે ૧૦ ટીમો બનાવીને થયેલ ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે. હું આશા રાખું છું કે ભ્રષ્ટ શાસન લીપાપોથી ન કરે અને ગરીબોના અધિકારના કરોડો રૂપિયા ન ખવાઈ જાય તે માટે ભ્રષ્ટાચારીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય.
સ્પષ્ટ રીતે દાહોદમાં ગુજરાત સરકારના મંત્રી તરીકે બચુભાઈ ખાબડ બેઠા છે, એમના નામનું ખેતર છે, એમના નામની જમીન છે. પોતાના જ નામની જમીનમાં બંધ બને, નહેર બને, બંધ બન્યો હોય, પાણી રોકાયું હોય ત્યાં વૃક્ષારોપણ થાય, પાછું રીનોવેશન થાય. પોતાની માલિકીની નાના-નાના જમીનના ટુકડાઓમાં અનેક વર્કઓર્ડર અપાય, રૂપિયા ખવાઈ જાય અને છતાં ગુજરાતમાં મંત્રી તરીકે ચાલુ રહે, આ કેવા પ્રકારની પદ્ધતિ છે ? મનરેગાનો કાયદો સ્પષ્ટ છે અને શેડ્યુલ-૧માં સ્પષ્ટ રીતે લખાયું છે કે, કદાચ કોઈ ખાનગી જમીનમાં નાનું કામ કરવાનું હોય તો એ વ્યક્તિ એસસી, એસટી કે નાનો સીમાન્ત ખેડૂત હોવો જોઈએ, એ માણસ પોતે પણ જોબકાર્ડ ધરાવતો શ્રમિક હોવો જોઈએ, આમાનું કોઈ પાલન થયું નથી. મંત્રીશ્રીના બે-બે દીકરાઓ દ્વારા મટીરીયલ સપ્લાયના નામે કરોડો રૂપિયા ખવાતા હોય, જીએસટી પણ ન ભરાતો હોય તેની શું તપાસ નહીં કરવાની ? શું આ ભાજપનો ભ્રષ્ટાચાર કરવાનો પરવાનો છે ?
બે-ત્રણ દિવસ પહેલાં શક્તિસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્નમાં પણ જાંબુઘોડામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનું સ્વીકારાયું છે. મનરેગાનો કાયદો સ્પષ્ટ કહે છે કે, મટીરીયલ અને રોજગારીમાં ૬૦-૪૦%નું ધોરણ જળવાવું જોઈએ. જાંબુઘોડામાં આ ધોરણ સચવાયું નથી. મજૂરોને ચૂકવાયા તેના કરતા કરોડો રૂપિયા મટીરીયલ સપ્લાયના નામે ચૂકવાઇ ગયા છે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સરપંચોને ઘમકાવીને કહે છે કે, ભ્રષ્ટાચાર નહીં ચાલે, તો તમારા જ મંત્રીઓ અને તમારા મોટા માથાઓ કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે, ત્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી શક્તિસિંહ ગોહિલે કરી છે.
