
મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ બાબતો પર વાર્તાલાપ કર્યો
તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના ૨૮ આદિવાસી બાળકો તા.૧૦ થી ૧૩ ઓગષ્ટ દરમિયાન શ્રીહરિકોટા સ્થિત ઈસરોના શૈક્ષણિક પ્રવાસે. તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ’તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ઈસરોના પ્રવાસે જઈ રહેલા ૨૮ આદિવાસી બાળકો સાથે સંવાદ કર્યો હતો. સુરત એરપોર્ટના સભાગૃહમાં મંત્રીશ્રીએ બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ બાબતો પર વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા. તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના ૨૮ આદિવાસી બાળકો તા.૧૦ થી ૧૩ ઓગષ્ટ દરમિયાન ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરના શૈક્ષણિક પ્રવાસે સુરત એરપોર્ટ પરથી રવાના થયા હતા. વિદ્યાર્થીઓને યાદગાર અને મંગલમય પ્રવાસ માટે શુભેચ્છા આપતા મંત્રીશ્રીએ રાજ્યમાં સૌ પ્રથમવાર વિશેષરૂપે આદિજાતિ બાળકો માટે કરાયેલી આ નવીન પહેલ માટે તાપી જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ચેન્નઈ ઈસરો ખાતેના શૈક્ષણિક પ્રવાસે જતા વિદ્યાર્થીઓને ’લર્ન વિથ ફન’, આનંદ સાથે કંઈક નવું શીખવાની પ્રેરણા આપી હતી. તેમણે બાળકોને ઈસરોના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી લેવા તેમજ ઉત્સુકતાભેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસેથી નવા અનુભવો મેળવવા પ્રોત્સાહન આપ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું આ પ્રવાસ બાળકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અને વિચારશક્તિ વિકસાવવા મદદરૂપ થશે. ઈસરોની મુલાકાત વિજ્ઞાન ક્ષેત્રમાં કંઈક નવું કરવા, ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં ઉપયોગી સાબિત થશે. ઈસરો મુલાકાતની મળેલી તકનો સવિશેષ લાભ લઈ મહત્તમ જ્ઞાન મેળવવા બાળકોને જણાવ્યું હતું.વધુમાં તેમણે છેક છેવાડાના આદિજાતિ ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઈલમેન ડૉ. એ.પી. જે. અબ્દુલ કલામથી પ્રેરિત થઈ શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને ગામ–રાજ્ય સહિત દેશનું નામ વિશ્વફલક પર ઉજ્જવળ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તાપીથી પ્રવાસ કરી ઇસરોની સાથે ચેન્નઈ સ્થિત પ્લેનેટેરિયમ અને ઝુઓલોજિકલ પાર્કની મુલાકાતે જનાર આ વિદ્યાર્થીઓને યાદગાર સંભારણા તરીકે એક સ્મરણ પુસ્તિકા બનાવવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ બાળકો સાથે બેસ્ટ ૨૮માં સ્થાન મેળવવા બદલ તેમના અને પરિવારજનોના અનુભવ અંગે ચર્ચા કરી બેસ્ટ ૨૮માં મોટી સંખ્યામાં દીકરીઓને પસંદગી મેળવવા માટે અભિનંદન આપી વધુ આગળ વધવા પ્રેરણા આપી હતી. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને વડાપ્રધાનશ્રીને ઈસરોના યાદગાર પ્રવાસના અંગત અનુભવો વર્ણવતો પત્ર લખવાનું સૂચન કર્યું હતું. નોંધનીય છે કે, આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોજેક્ટ ‘વિજ્ઞાન સેતુ- તાપી કે તારે’ અંતર્ગત તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના ૨૮ આદિવાસી બાળકો તા.૧૦થી ૧૩ ઓગષ્ટ દરમિયાન ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનો શૈક્ષણિક પ્રવાસ કરશે.આ પ્રસંગે તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડ, સહાયક માહિતી નિયામક શ્રી સુમિત ગોહિલ સહિત વહીવટી વિભાગના વિવિધ કર્મચારીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
