
SIR અને “મત ચોરી” વિરુદ્ધ વિપક્ષની EC ઓફિસ સુધી કૂચ
પોલીસે ચૂંટણી પંચ તરફ જઈ રહેલી રેલીને અટકાવી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંજય રાઉત, સાગરિકા ઘોષ સહિતના સાંસદોની અટકાયત કરી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પક્ષોના ૩૦૦ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ તરફ કૂચ શરુ કરી દીધી હતી. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોના સાંસદો સંસદ ભવનના મકર દ્વારથી આ કૂચ શરુ કરી હતી. આ કૂચ SIR પ્રક્રિયા અને રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા ‘વોટ ચોરી‘ના આરોપોને લઈને યોજવામાં આવી હતી.
દિલ્હી પોલીસે ચૂંટણી પંચ તરફ જઈ રહેલી રેલીને અટકાવી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંજય રાઉત, સાગરિકા ઘોષ સહિતના સાંસદોની અટકાયત કરવામાં આવી હતી. વિપક્ષના સાંસદો બિહારમાં SIR અને વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરતાં ચૂંટણી પંચ તરફ જઈ રહ્યા હતાં. દિલ્હી પોલીસની પરવાનગી વિના રેલીનું આયોજન કરવા બદલ રેલી અટકાવવામાં આવી હતી. તેમજ સાંસદોની અટકાયત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં વિપક્ષના તમામ પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, ડીએમકે ઉપરાંત અન્ય પક્ષો વોટ ચોરી વિરુદ્ધની મોર્ચા રેલીમાં જાેડાયા હતા. આ રેલીમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી પણ સામેલ છે. આ દરમિયાન શાંતિપૂર્ણ કૂચ દરમિયાન સાંસદોને રોકવાનો પ્રયાસ કરવા માટે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું જેને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ કૂદતા દેખાયા હતા.
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી પંચ અને ભાજપ પર વોટ ચોરીનો આરોપ મૂક્યા બાદ આ રેલીના આયોજનની જાહેરાત થઈ હતી. વોટ ચોરી વિરુદ્ધ લોક સમર્થન મેળવવા રેલી કાઢવાની જાહેરાત વિપક્ષના સાંસદોએ કરી હતી. પરંતુ દિલ્હી પોલીસે તેની પરવાનગી આપી ન હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, વિપક્ષે આ રેલી માટે કોઈ મંજૂરી માગી નથી. સાંસદોની આ રેલી ચૂંટણી પંચની ઑફિસ તરફ રવાના થઈ રહી છે. રસ્તામાં આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું કે વિપક્ષે ચૂંટણી પંચને પત્ર લખીને ૩૦૦ સાંસદોને ચૂંટણી પંચ તરફ કૂચ કરવાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે ચૂંટણી પંચે તે પત્રનો જવાબ આપ્યો ન હતો અને કહ્યું હતું કે ફક્ત ૩૦ સાંસદો જ આવશે. અમે ઇચ્છીએ છીએ કે બધા સાંસદો ચૂંટણી પંચને પોતાનું મેમોરેન્ડમ સુપરત રેલીને રસ્તામાં જ રોકી દેવામાં આવી છે, અને તેને ચૂંટણી પંચ તરફ જતાં અટકાવવા માટે પોલીસે બેરિકેડ મૂક્યા હતાં.
ગઈકાલે જ વિપક્ષી સાંસદોએ આ રેલીની જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે વિપક્ષે ઔપચારિક પરવાનગી પણ માંગી ન હતી. આમ છતાં કૂચ સંસદ ભવનથી નીકળી ગઈ છે અને તેમને રસ્તામાં રોકવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન અખિલેશ યાદવ બેરિકેડ પર ચઢતા જાેવા મળ્યા. પ્રિયંકા ગાંધી પણ વિપક્ષી સાંસદો સાથે સૂત્રોચ્ચાર કરતા જાેવા મળ્યા.
કોંગ્રેસના સાંસદ શશી થરૂર પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી રેલીમાં જાેડાયા હતા. તેમણે કહ્યું કે, “જ્યાં સુધી લોકોને ચૂંટણીની નિષ્પક્ષતા અંગે શંકા છે, ત્યાં સુધી ચૂંટણી પંચની વિશ્વસનીયતાને નુકસાન થઈ રહ્યું છે. જાે આ શંકાઓ દૂર કરવામાં આવે તો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પાછી મેળવી શકાશે.‘‘
