
દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ ૯૯૫ રૂપિયા જાહેર કરાયો છે જેમાંથી ૯૬૦ રૂપિયાનો ભાવ વધારો પશુપાલકોને પહેલેથી જ ચૂકવી દેવાયો છે
સાબરકાંઠાની સાબર ડેરીની ૬૧મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ. સભામાં ડેરી દ્વારા દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ ૯૯૫ રૂપિયા જાહેર કરાયો છે. જેમાંથી ૯૬૦ રૂપિયાનો ભાવ વધારો પશુપાલકોને પહેલેથી જ ચૂકવી દેવાયો છે, જ્યારે બાકીના ૩૫ રૂપિયાનો વધારો ૧૩ ઓગસ્ટે ચૂકવાશે. સભા દરમિયાન કોઈ જાતના વાદ-વિવાદ કે વિરોધ વિના તમામ ર્નિણયો સર્વસંમતિથી લેવાયા. આ ર્નિણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો અને તેમણે ડેરીના આ પગલાને આવકાર્યું છે. આગામી વર્ષથી ૩૦ જૂન પહેલા ભાવફેર ચૂકવવા ઠરાવ કરાયો છે. ચેરમેન-સેક્રેટરી સાથે નિયામક મંડળની મિટિંગો યોજવા પણ ઠરાવ કરાયો છે. મહત્ત્વનું છે કે, મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી બાદ ડેરીની પ્રથમ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા, અરવલ્લીના ચેરમેન અને સેક્રેટરી હાજર રહ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકોને ડેરીના આ ભાવ વધારાના ર્નિણયથી ફાયદો થશે. જણાવી દઈએ કે, સાધારણ સભા યોજાય તે પહેલા જ પશુપાલકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. પશુપાલકો દ્વારા જાહેરાત કરાઈ હતી કે જાે સભામાં યોગ્ય ભાવ નહીં મળે તો ૧૨ ઓગસ્ટથી અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સાબર ડેરીએ ૩૯૫ રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવફેર જાહેર કર્યો હતો. જાેકે પશુપાલકો ૨૦ ટકા ભાવ ફેરની માગ સાથે આંદોલન પર ઉતર્યા હતા. આ દરમિયાન ૧૪ જુલાઈએ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સમગ્ર પંથકના પશુપાલકો રોડ પર આવીને વિરોધ કરી રહ્યા હતા. બાદમાં સાબર ડેરી દ્વારા ભાવફેરનું આશ્વાસન અપાયું હતું. જે અંગે આજની બેઠકમાં અંતિમ ર્નિણય લેવાઈ ચૂક્યો છે.
