
નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની આગાહી કરી
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ૧૧ ઓગસ્ટથી ૧૬ ઓગસ્ટ દરમિયાન વરસાદની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજના દિવસે રાજ્યના બે જિલ્લા તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાત પરથી સાઈક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે અને જેની અસર રાજ્ય પર દેખાઈ રહી છે. રાજ્યમાં વરસાદની સ્થિતિ સાથે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ તથા દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદમાં સવારે વરસાદી વાતાવરણ બન્યું હતું પરંતુ સામાન્ય ઝાપટાં બાદ તડકો ખીલી ગયો છે.
જાેકે, તાજી આગાહીમાં અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન થંડર સાવર થવાનું પણ પૂર્વાનુંમાન છે.
માછીમારોને ૧૨-૧૪ તારીખ દરમિયાન દરિયો ન ખેડવા અંગેની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના ભાગો માટે આ સંભાવનાઓ વ્યકત કરવામાં આવી છે, જે દરમિયાન દરિયામાં કરંટ જાેવા મળી શકે છે. આ દરમિયાન પવનની ગતિ ૪૦-૫૦ કિલોમીટર અને ઝાટકાનો પવન ૬૦ કિલોમીટર સુધી જવાની સંભાવનાઓ પણ સ્થાન હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. એકે દાસ જણાવે છે કે, અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પરથી પસાર થઈ રહ્યું છે, અને મોનસૂન ટ્રફની સ્થિતિ દેશના ઉત્તર ભાગમાં ફરિદકોટથી પૂર્વ ઉત્તર-પૂર્વ દિશામાં અરુણાચલ પ્રદેશ સુધી છે. રાજ્યમાં ચાલુ વર્ષે સારો એવો વરસાદ થયો છે અને આગામી સમયમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવનાઓ છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે આગામી સમયમાં એટલે કે ૧૪ ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ સામાન્ય રહેવાની વાત કરી છે અને તે પછી વરસાદનું જાેર વધવાની શક્યતાઓ છે. એટલે ૧૫ ઓગસ્ટ પછી વરસાદની તિવ્રતામાં વધારો થઈ શકે છે, જે અંગે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં માહિતી આપવામાં આવશે.
