
ટ્રાફિક પોલીસના CCTV કેમેરામાં આ એક્ટિવા કેદ થઈ રહ્યું છે, છતાં પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ રહી છે
સુરતમાં રહેતા એક વેપારીઓનું એક્ટિવા પાંચ વર્ષ પહેલા ચોરાઈ ગયું છે…પણ આ ચોરાયેલા એક્ટિવાના ઈ-મેમા તે વેપારીના સરનામે આવી રહ્યા છે.ચોર બિન્દાસ્ત રીતે સુરત શહેરમાં જ ફરી રહ્યો છે પણ હર્ષ સંઘવી સાહેબની પોલીસ એક્ટિવા અને એક્ટિવા ચોરને પકડી શક્તી નથી. સુરત શહેર, જ્યાં ગુજરાત પોલીસની કામગીરીના દાવાઓ ઘણીવાર ચર્ચામાં હોય છે, પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સુરત ટ્રાફિક પોલીસની નિષ્ફળતાને ઉજાગર કરે છે. એક વેપારીનું એક્ટિવા પાંચ વર્ષ પહેલાં ચોરાયું, પરંતુ પોલીસ ન તો તેને શોધી શકી, ન તો ચોરને પકડી શકી. ઉપરથી, ચોરાયેલા એક્ટિવાના મૂળ માલિકને જ ઈ-મેમો ફટકારીને હેરાન કરી રહી છે… સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચોરાયેલું એક્ટિવા સુરત શહેરમાં જ બિન્દાસ્ત ફરી રહ્યું છે. ટ્રાફિક પોલીસના CCTV કેમેરામાં આ એક્ટિવા કેદ થઈ રહ્યું છે, છતાં પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ રહી છે. નરેશ ધોળાએ અનેકવાર આ બાબતે રજૂઆત કરી, પરંતુ દરેક વખતે તેમને માત્ર ઠાલાં વચનો જ મળ્યાં. આ ઘટના પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતના ગૌરવની વાતો કરે છે, ત્યારે શું આવી ઘટનાઓ પોલીસ તંત્રની નિષ્ફળતાને ઉજાગર નથી કરતી? પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતી પોલીસ શું ખરેખર પોતાનું કામ કરી રહી છે?.
નરેશ ધોળાની આ વ્યથા એક વેપારીની નથી, પરંતુ એવી હજારો લોકોની છે, જેઓ પોલીસ પાસેથી ન્યાયની આશા રાખે છે. સવાલ એ છે કે, સુરત પોલીસ આ ચોરાયેલું એક્ટિવા ક્યારે શોધશે? અને ક્યારે નરેશ ધોળાને ન્યાય મળશે?
