
ખેતી નિયામક કચેરીએ ડાંગરના પાકમાં જીવાતના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા
(જી.એન.એસ) તા. 13
ખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોના હિતાર્થે રોગ-જીવત વ્યવસ્થાપનના પગલા સૂચવવામાં આવે છે. જે અંતર્ગત ડાંગરના ઉભા પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.
ડાંગરના પાકમાં જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:
- ખેતરના શેઢાપાળાનું ઘાસ કાપીને શેઢાપાળા સાફ રાખવા.
- ડાંગરના ધરૂની ફેરરોપણી બાદ પાન પર મૂકાયેલા ઈંડાના સમૂહો વીણીને તેનો નાશ કરવો.
- ફેરરોપણીના ૩૦ દિવસ બાદ હેક્ટર દીઠ ૩૦ ફેરોમોન લ્યુર સાથેના ટ્રેપ એકબીજાથી સરખા અંતરે મૂકવા તથા લ્યુર દર ત્રણ અઠવાડિયે બદલવી.
- ડાંગરના પાકમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો તેમજ ક્યારીમાં જરૂરીયાત પૂરતું જ પાણી રાખવું.
- ખેતરમાં રાત્રિના સમયે પ્રકાશ પિંજર ગોઠવવી, જેથી ગાભમારાની ઈયળ ઉપરાંત લશ્કરી ઈયળના પુખ્ત (ફૂંદા) આકર્ષી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય.
- ડાંગરની પાન ખાનારી ઇયળોનો ઉપદ્રવ ઓછો હોય અને વિસ્તાર નાનો હોય તો નુકશાનવાળા પાન ઈયળ અને કોશેટો સહિત તોડીને નાશ કરવો.
- ડાંગરનો દરજી/શિંગડાવાળી ઈયળના કોશેટા પાનની નીચેની બાજુએ લટકતા હોય છે, તેનો પણ વીણીને નાશ કરવો.
- ખેતરમાં પરભક્ષી જીવાત તરીકે કરોળિયાની વસ્તી વધારવા રોપણી પછી ૧૫-૨૦ દિવસે હેક્ટરે ૮૦ કિ.ગ્રા. પ્રમાણે ઘઉં/રજકાનું ભૂસું વેરવું.
- ગાભમારા અને પાન વાળનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે ઇયળની માદા ફૂદીએ મૂકેલ ઈંડાં પર પરજીવીકરણ માટે ટ્રાઈકોગ્રામા જાપોનીકમ અથવા ટ્રાઈકોગ્રામા ચીલોનીસ જાતોની ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ ભમરીઓ પ્રતિ હેકટર મુજબ ખેતરમાં છોડવી.
- ડાંગરના મિત્ર કીટકો તેમજ પરભક્ષી/પરજીવી જીવાતોને ઓળખીને તેનું સંવર્ધન કરવાના તેમજ જાળવણીના પ્રયત્નો કરવા તેમજ કીટનાશકોનો ભલામણ મુજબ પ્રમાણ જાળવી છંટકાવ કરવો જેથી મિત્ર કીટકોનું સંવર્ધન અને જાળવણી થઇ શકે.
- ડાંગરના ઊભા પાકમાં ચૂસિયા જીવાત તેમજ ઈયળ નિયંત્રણ માટે નીમાસ્ત્ર (૨૦૦ લીટર પ્રતિ એકર), અગ્નિઅસ્ત્ર (૧૦ લીટર પાણીમાં ૪૦૦ મી.લિ.), બ્રહ્માસ્ત્ર (૧૦ લીટર પાણીમાં ૪૦૦ મી.લિ.), દસપર્ણી અર્ક (૬ થી ૮ લીટર અર્ક ૨૦૦ લીટર પાણીમાં એક એકર મુજબ) જેવા વાનસ્પતિક કીટનાશકોનો છંટકાવ કરવો.
- લશ્કરી ઇયળ (કટ વોર્મ)ના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં સાંજના સમયે ઘાસની નાની-નાની ઢગલીઓ કરીને બીજા દિવસે સવારે તેને ઈયળ સહિત બાળી નાખવી.
- ડાંગરના ભુરા કાંસિયા અને ઢાલપક્ષ ભૂંગાના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં પાક પર દોરડું ફેરવવાથી પુખ્ત કીટક પાણીમાં પડી જશે. ત્યારબાદ પુખ્ત કીટકોને ભેગા કરી કેરોસીનવાળા પાણીમાં ડુબાડીને નાશ કરવો. આ જીવાતોનો ઉપદ્રવ (ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં) વધુ જણાય તો અસરગ્રસ્ત વિસ્તારમાં જ કીટનાશકોનો ઉપયોગ કરવો. ધરો, દર્ભ જેવા નીંદણો પર તેની વૃદ્ધિ થતી હોવાથી આવા નીંદણોનો નાશ કરવો.
- પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાય તો આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ અથવા જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
