
પ્રભાસની રાજાસાબ ક્રૂને પેમેન્ટના વાંકે અટકી પડી છે
દિલ્હીની એક કંપનીએ ‘રાજાસાબ’ના નિર્માતાઓ પર કોન્ટ્રાક્ટરની શરતોનો ભંગ કરવા બાબતે કેસ પણ કર્યાે છે.પ્રભાસની હોરર કોમેડી ‘રાજા સાબ’ છેલ્લા કેટલાક સમયથી અટવાઈ છે અને તેના સમયસર રીલિઝ થવા અંગે શંકાઓ સેવાય છે. અગાઉ અહેવાલો હતા કે ફિલ્મનું હજુ ૨૦ ટકા જેટલું શૂટિંગ બાકી છે અને પ્રભાસની તારીખોમાં ગરબડ થઈ ગઈ હોવાથી શૂટિંગ લટક્યું છે. પરંતુ, નવા ખુલાસા અનુસાર વાસ્તવમાં ફિલ્મના ક્રૂ મેમ્બર્સને સમયસર પેમેન્ટ નહિ મળતાં તેઓ હડતાલ પર ઉતરી ગયા હતા. આથી, શૂટિંગ ખોરવાયું છે. ફિલ્મ સમયસર પૂર્ણ નહિ કરાતાં દિલ્હી હાઈકોર્ટમાં નિર્માતાઓ સામે કેસ પણ થયો છે. કેટલાંક આર્ટિસ્ટ સંગઠનોના આરોપો અનુસાર ફિલ્મના નિર્માતાઓ ક્રૂને બાકી પેમેન્ટમાં અખાડા કરી રહ્યા છે. બીજી તરફ ફિલ્મના નિર્માતાઓએ આ આરોપો ફગાવ્યા છે. તેમણે દાવો કર્યાે છે કે તેઓ અત્યાર સુધી ૬૦ કરોડ રુપિયાનાં પેેમેન્ટ કરી ચૂક્યા છે અને હવે ફક્ત એક જ કરોડનું પેમેન્ટ બાકી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ કોઈ આર્ટિસ્ટ સંગઠનોની દાદાગીરીને વશ નહિ થાય. આ પેમેન્ટસ સીધું વર્કર્સના ખાતાંમાં જમા થશે. દિલ્હીની એક કંપનીએ ‘રાજાસાબ’ના નિર્માતાઓ પર કોન્ટ્રાક્ટરની શરતોનો ભંગ કરવા બાબતે કેસ પણ કર્યાે છે. તેના જણાવ્યા મુજબ નિર્માતાઓના મિસમેનેજમેન્ટના કારણે ફિલ્મ અટવાઈ પડી છે.
