
રશિયા પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાની નારાજગી
અમેરિકાએ ભારતને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાે ભારત અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર રહેવા માંગે છે, તો તેણે પણ તે મુજબ વર્તન કરવું પડશે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર અને તેમના વેપાર સલાહકાર પીટર નાવારોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અને ચીન સાથેના સંબંધો સામાન્ય કરવા બદલ ભારત વિરુદ્ધ કડક નિવેદનો આપ્યા છે. નાવારોએ ભારતને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાે ભારત અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર રહેવા માંગે છે, તો તેણે પણ તે મુજબ વર્તન કરવું પડશે. આ નિવેદનોથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર કરાર પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે, કારણ કે અમેરિકાએ ભારત પર પહેલાથી જ વધારાનો ટેરિફ લાદી દીધો છે અને યુએસ ટ્રેડ ટીમે ભારતની મુલાકાત પણ મુલતવી રાખી છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં લખેલા એક લેખમાં, વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત એક વૈશ્વિક ‘ક્લિયરિંગ હાઉસ‘ તરીકે કામ કરી રહ્યું છે. રશિયાના પ્રતિબંધિત તેલને પ્રોસેસ કરીને ભારત તેને મોંઘા નિકાસમાં રૂપાંતરિત કરે છે અને આમ પરોક્ષ રીતે મોસ્કોને ડોલર પૂરા પાડી રહ્યું છે. આ પગલું અમેરિકાના વ્યૂહાત્મક હિતોની વિરુદ્ધ છે, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર ૨૫% નો વધારાનો ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ લાગુ થતાં ભારત પરનો કુલ અમેરિકન ટેરિફ વધીને ૫૦% થઈ ગયો છે. જાેકે, આશ્ચર્યજનક વાત એ છે કે, આ દરમિયાન પુતિન અને ટ્રમ્પ વચ્ચેની બેઠકમાં ખુલાસો થયો હતો કે અમેરિકાએ પોતે રશિયા સાથે ૨૦% વધુ વેપાર કર્યો છે, જે અમેરિકાના બેવડા ધોરણો દર્શાવે છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે કહ્યું છે કે ભારતને અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યું છે. અમેરિકાને માત્ર રશિયા સાથેના ભારતના સંબંધોથી જ નહીં, પરંતુ ભારત-ચીન વચ્ચેની વધતી નિકટતાથી પણ સમસ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવાના છે, અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી પણ સરહદી વિવાદો પર ચર્ચા કરવા માટે ભારતની મુલાકાતે છે. નાવારોનો આરોપ છે કે જાે ભારત રશિયા અને ચીન બંને સાથે સંબંધો મજબૂત કરે છે, તો અમેરિકા માટે ભારતને આધુનિક શસ્ત્રો આપવાનું જાેખમી બની શકે છે. આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્રને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા પસંદ નથી. આ વિવાદની સીધી અસર અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી વેપાર કરારની વાટાઘાટો પર પડી છે. ૨૫ થી ૨૯ ઓગસ્ટ સુધી ભારતની મુલાકાતે આવનારી યુએસ ટ્રેડ ટીમે હાલમાં તેની મુલાકાત મુલતવી રાખી છે. આ ઘટના સૂચવે છે કે બંને દેશો વચ્ચે તણાવ વધશે અને વેપાર કરાર તૂટી પણ શકે છે. ભારત પર લાદવામાં આવેલા વધારાના ટેરિફ ૨૭મી ઓગસ્ટથી અમલમાં આવી રહ્યા છે અને હાલમાં તેમાં કોઈ રાહત મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આ સમગ્ર ઘટનાક્રમ ભારત માટે આર્થિક અને રાજકીય બંને રીતે પડકારજનક સાબિત થઈ શકે છે.
