
દ્વારકાના દરિયામાં એક ભેદી કન્ટેનર તણાઈને આવ્યું
આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર લાવી દીધી છે આખરે આ કન્ટેનર ક્યાંથી આવ્યા? અને તેમાં શું છે?ગુજરાતના દરિયામાંથી બિનવારસી કન્ટેનર મળવાનો ઘટનાક્રમ યથાવત્ છે…હવે દ્વારકા દરિયામાં એક રહસ્યમય કન્ટેનર તણાઈને કાંઠે આવ્યું છે…આ કન્ટેનરમાં છે શું તે જાણી શકાયું નથી પરંતુ અવાર નવાર બની રહેલી ઘટનાઓથી જાતભાતની ચર્ચાઓ શરૂ થઈ છે
કચ્છ, ભરૂચ બાદ હવે દ્વારકાના વરવાળા ગામે દરિયામાંથી એક શંકાસ્પદ કન્ટેનર તણાઈને કિનારે આવ્યું છે. આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર લાવી દીધી છે. આખરે આ કન્ટેનર ક્યાંથી આવ્યા? અને તેમાં શું છે? દ્વારકા તાલુકાના વરવાળા ગામે દરિયાઈ મોજાં સાથે તણાઈ આવેલું આ કન્ટેનર રહસ્યનું કેન્દ્ર બન્યું છે. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરતાં જ દ્વારકા પોલીસ, કોસ્ટગાર્ડ અને કસ્ટમ્સ વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી. પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવાયું છે કે આ કન્ટેનરમાં બેઝ ઓઈલ ભરેલું હોઈ શકે છે. પરંતુ શું આ માત્ર બેઝ ઓઈલ છે, આ ઘટના કોઈ એકલદોકલ નથી. ઓગસ્ટની શરૂઆતથી જ ગુજરાતના દરિયાકાંઠે શંકાસ્પદ કન્ટેનરનો સિલસિલો ચાલુ છે. કચ્છના અબડાસા વિસ્તારમાં અત્યાર સુધી છ કન્ટેનર તણાઈને આવ્યા છે. સૈયદ સુલેમાનપીર, સુથરી અને જખૌ નજીક મળેલા આ કન્ટેનરોએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ કન્ટેનર કોઈ જહાજમાંથી ખરી પડ્યા હોઈ શકે, અથવા દરિયાઈ પ્રવાહ સાથે કિનારે આવ્યા હોઈ શકે. એક પછી એક કન્ટેનરનું આવવું શું ખરેખર સંયોગ છે, કે પછી કોઈ ગુપ્ત યોજનાનો ભાગ? આ ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ચર્ચા અને શંકાનું વાતાવરણ ઊભું કર્યું છે. શું આ કન્ટેનર દ્વારા નશીલા પદાર્થોની હેરફેરનો પ્રયાસ તો નથી થઈ રહ્યો?.અગાઉ કચ્છના દરિયાકાંઠે માદક દ્રવ્યોના પેકેટો મળવાની ઘટનાઓએ આ શંકાને વધુ હવા આપી છે. ગુજરાતના દરિયાકાંઠે ચાલી રહેલો આ કન્ટેનરનો રહસ્યમય સિલસિલો હવે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની રહ્યો છે. પોલીસ, કોસ્ટગાર્ડ અને કસ્ટમ્સ વિભાગ સંપૂર્ણ તાકીદે તપાસ કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી આ કન્ટેનરનું રહસ્ય ખુલે નહીં, ત્યાં સુધી ચર્ચાઓ અને શંકાઓ યથાવત રહેશે.
