
આ ફ્લેશ ચાર્જિંગ બસ હશે, જે કોસ્ટ મામલે મેટ્રો કરતાં સસ્તી હશે અને તેમાં લકઝરી સુવિધાઓ ઉપલબ્ધ થશે
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશમાં જાહેર પરિવહનમાં એક મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ભારતમાં ટૂંકસમયમાં ૧૩૫ સીટર બસ શરૂ કરવામાં આવશે. જેમાં વિમાન જેવી સુવિધાઓ મળશે. સરકાર આ ક્ષેત્રે ઈનોવેશન પર કામ કરી રહી છે.
નીતિન ગડકરીએ ભારતીય પરિવહન ક્ષેત્રે થયેલા મોટા ફેરફારો પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, જાહેર પરિવહનમાં મેટ્રો મહત્ત્વની ભૂમિકા નિભાવી રહી છે. પરંતુ હવે સરકારની તૈયારી ૧૩૫ સીટર બસ શરૂ કરવાની છે. આ ફ્લેશ ચાર્જિંગ બસ હશે. જે કોસ્ટ મામલે મેટ્રો કરતાં સસ્તી હશે. અને તેમાં લકઝરી સુવિધાઓ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ બસનો પાયલટ પ્રોજેક્ટ સૌ પ્રથમ મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ કરાશે. ત્યારબાદ દિલ્હી-મુંબઈ સહિત દેશના અન્ય શહેરોમાં પણ બસ સેવા શરૂ કરવામાં આવશે.
મેટ્રોનો ખર્ચ રૂ. ૪૫૦ કરોડ પ્રતિ કિમી છે. જ્યારે બસનો ખર્ચ રૂ. ૨ કરોડ પ્રતિ કિમી છે. આ ફ્લેશ ચાર્જિંગ બસનો ખર્ચ ઓછો હોવાથી તેની ટિકિટ ડિઝલ બસની તુલનાએ ૩૦ ટકા સસ્તી હશે. એસી અને એક્ઝિક્યુટીવ સીટથી સજ્જ આ બસમાં વિમાનની જેમ ખાણી-પીણીની સુવિધાનો સામાન મળશે. દિલ્હીથી જયપુર, દહેરાદૂન અને ચેન્નઈથી બેંગ્લુરૂમાં આ બસ સેવા શરૂ કરાશે.
જાહેર પરિવહનમાં મોટા ફેરફારો વિશે જણાવતાં ગડકરીએ કહ્યું કે, અમે ૩૬૦ રોપવે કેબલ કાર બનાવવા પર કામ કરી રહ્યા છે. તદુપરાંત અમે હાઈડ્રોજન ફ્યુલ સંબંધિત ૧૦ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. જે હેઠળ ટાટાએ હાઈડ્રોજન ફ્યુલ પર ચાલતી ટ્રક પણ બનાવી છે. ગ્રીન હાઈડ્રોજન બનાવવાથી માંડી તેના પર સંચાલિત વાહનોના નિર્માણ કામો સમાવિષ્ટ છે. જેની સીધી અસર આગામી સમયમાં પરિવહનને નવા શિખરો પર પહોંચાડશે.
નીતિન ગડકરીએ જણાવ્યું કે, અમે પરિવહન ક્ષેત્રે ૪૦ હજાર કરોડના નવા કામ કરી રહ્યા છે. અમે અનેક લક્ષ્યાંકો અમલમાં મૂક્યા છે. અમે રોડ બનાવવાની ક્ષમતામાં પણ વધારો કરી રહ્યા છે. આગામી સમયમાં ૧૦૦ કિમી રોડ પ્રતિ દિવસની ક્ષમતાએ બનાવીશું. દરવર્ષે રૂ. ૨.૫ લાખ કરોડના કામકાજ થઈ રહ્યા છે. હજી રૂ. ૧૦ લાખ કરોડનું કામ બાકી છે. રોડ ઈન્ફ્રાસ્ટ્ક્ચરમાં એક રૂપિયાનો ખર્ચ સામે રૂ.૩ની આવક થાય છે. લોજિસ્ટિક ખર્ચ પણ ઘટ્યો છે. જે પહેલાં ૧૬ ટકા હતો, તે હાલ ૬ ટકા ઘટી ૧૦ ટકા થયો છે.
