
નોવાક જોકોવિચ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટના ઇતિહાસમાં 100 જીત નોંધાવનાર વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો છે. તેણે ત્રીજા રાઉન્ડમાં સર્બિયન દેશબંધુ મિઓમીર કેકમાનોવિચ પર 6-3, 6-0, 6-4 થી જીત મેળવીને આ સિદ્ધિ મેળવી હતી. તેના પહેલા માર્ટિના નવરાતિલોવા અને રોજર ફેડરર આ સીમાચિહ્ન પર પહોંચ્યા હતા. જોકોવિચે ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં તેના 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલમાંથી સાત જીત્યા છે. તેણે શનિવારે સેન્ટર કોર્ટ પર કેકમાનોવિચ સામેના પ્રથમ સેટમાં 3-3 ના સ્કોર સાથે સતત નવ ગેમ જીતીને સરળતાથી આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો.
જોકોવિચે કોર્ટ પર એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “મારી પ્રિય ટુર્નામેન્ટમાં હું જે પણ ઇતિહાસ બનાવીશ તેના માટે હું આભારી છું.” 38 વર્ષીય જોકોવિચ, જે તેની 20મી વિમ્બલ્ડન ટુર્નામેન્ટ રમી રહ્યો છે, તેનો સામનો આગામી ક્રમાંક 11 એલેક્સ ડી મિનોર સામે થશે. મહિલા વર્ગમાં નવ વખત વિમ્બલ્ડન સિંગલ્સ ચેમ્પિયન રહેલી નવરાતિલોવાએ 120 સિંગલ્સ મેચ જીતી છે જ્યારે પુરુષોની શ્રેણીમાં આઠ વખત ચેમ્પિયન રહેનાર ફેડરરે 105 સિંગલ્સ મેચ જીતી છે.
આગામી રાઉન્ડમાં, જોકોવિચનો સામનો ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનૌર સામે થશે. મિનોર ડેનમાર્કના ઓગસ્ટ હોલ્મગ્રેનને સીધા સેટમાં હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.
જોકોવિચ હાલમાં 38 વર્ષનો છે અને વિમ્બલ્ડન પહેલાં, તેને આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તે છેલ્લી વખત આ સ્પર્ધામાં રમશે. આ 24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનનો પણ યાદગાર જવાબ હતો. જોકોવિચે કહ્યું હતું, “શું આ મારી છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ હોઈ શકે છે? હું હાલમાં આ વિશે ચોક્કસ કંઈ કહી શકતો નથી. મને ખાતરી નથી કે હું આવતા વર્ષે ફ્રેન્ચ ઓપન કે અન્ય કોઈ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ભાગ લઈશ કે નહીં.”
તેણે કહ્યું, “મારી ઈચ્છા ઘણા વર્ષો સુધી રમવાની છે. હું શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે ફિટ રહેવા માંગુ છું. આ મારું લક્ષ્ય છે પરંતુ મારી ઉંમરના આ તબક્કે તમે ખાતરીપૂર્વક કહી શકતા નથી કે આગળ શું થશે.”
