
૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણા દ્વારા તેના પરિવારના સભ્યો સાથે વાત કરવાની પરવાનગી માંગતી અરજી પર પટિયાલા હાઉસ ખાતેના ખાસ ન્યાયાધીશની કોર્ટે તિહાર જેલ વહીવટીતંત્ર અને NIA પાસેથી જવાબ માંગ્યો છે.
ખાસ ન્યાયાધીશ ચંદર જીત સિંહે તિહાર જેલ વહીવટીતંત્ર અને NIAને પણ નોટિસ જારી કરી છે અને તેમને ૪ જૂન સુધીમાં આ મામલે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી ૪ જૂને થશે.
પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ રાણા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. રાણા ૨૬/૧૧ મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોર ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથી છે. ૪ એપ્રિલે યુએસ સુપ્રીમ કોર્ટે તેના પ્રત્યાર્પણ સામેની તેની સમીક્ષા અરજી ફગાવી દીધા બાદ તેને ભારત લાવવામાં આવ્યો હતો.
રાણા પર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, હરકત-ઉલ-જેહાદી ઇસ્લામી અને અન્ય પાકિસ્તાન સ્થિત કાવતરાખોરો સાથે મળીને ત્રણ દિવસના આતંકવાદી હુમલાને અંજામ આપવાનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2008ના રોજ 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે ભારતમાં પહોંચ્યા હતા અને મુંબઈમાં રેલ્વે સ્ટેશન, બે હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર એક પછી એક હુમલા કર્યા હતા, જેમાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
