
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નામિબિયાની રાજધાની વિન્ડહોક પહોંચ્યા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નામિબિયાની આ તેમની પહેલી મુલાકાત છે અને કોઈ ભારતીય વડા પ્રધાનની ત્રીજી મુલાકાત છે.
હોશિયા કુટાકો આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન, તેઓ રાષ્ટ્રપતિ નંદી-ન્દૈતવાહ સાથે મહત્વપૂર્ણ વાતચીત કરશે અને નામિબિયાના પ્રથમ રાષ્ટ્રપતિ અને સ્થાપક સ્વર્ગસ્થ ડૉ. સામ નુજોમાને શ્રદ્ધાંજલિ આપશે. આ ઉપરાંત, તેઓ નામિબિયાની સંસદને પણ સંબોધિત કરશે.
યુરેનિયમ આયાત પર ભારતની નજર
વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, પીએમ મોદીની આ મુલાકાત ભારત અને નામિબિયા વચ્ચેના ઊંડા અને જૂના સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ મુલાકાત નામિબિયા સાથે ભારતની મિત્રતાને નવી ઊંચાઈએ લઈ જશે.
પીએમ મોદીની મુલાકાત અંગે, નામિબિયામાં ભારતના હાઇ કમિશનર રાહુલ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત નામિબિયાથી યુરેનિયમ આયાત કરવાનું વિચારી રહ્યું છે. આ સાથે, ભારત સરકાર નામિબિયામાં તેલ અને ગેસની તાજેતરની શોધમાં પણ રસ ધરાવે છે. ભારતીય હાઈ કમિશનરે કહ્યું કે ભારત નામિબિયાના મહત્વપૂર્ણ ખનિજોમાં પણ રસ ધરાવે છે. બંને દેશો વચ્ચે ઐતિહાસિક રીતે સારા સંબંધો રહ્યા છે.
અગાઉ, પીએમ મોદીએ બ્રાઝિલની બે દિવસની સત્તાવાર મુલાકાત પૂર્ણ કરી, જ્યાં તેમણે 17મા બ્રિક્સ સમિટમાં હાજરી આપી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા સાથે વાતચીત કરી.
