
ટ્રમ્પના ૫૦% ટેરિફથી સુરત-મુંબઈના હીરા ઉદ્યોગમાં બેરોજગારીનું સંકટ
ડાયમંડ અને જ્વેલરી ઉપર ૧૩.૫ ટકા સુધીનો ટેરિફ હતો પરંતુ ૧ ઓગસ્ટથી ૨૫ ટકા અને ત્યારબાદ ૫૦ ટકા કરી દેવામાં આવ્યો છે
સુરતની ઓળખ ગણાતા ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી હેઠળ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા અધધ…૫૦ ટકા ટેરિફને પગલે સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર ગંભીર સંકટ ઊભું થયું છે. ઉદ્યોગકારોના મતે હાલ કારીગરોની અછત વર્તાય રહી છે ત્યાં વળી ઉદ્યોગ સાથે સંકળાયાલા રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઊભું થવા પામ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત જુલાઈમાં ભારત ઉપર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરતા સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગકારોમાં ખળભળાટ મચી ગયો હતો. જાે કે ૧ ઓગસ્ટથી અમલીકરણની મુદ્દત લંબાવી હતી અને નવો ટેરિફ દર જાહેર કરશે એવું જણાવતા ઉદ્યોગકારોને રાહત થઈ હતી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ દર ઘટાડવાને બદલે ડબલ એટલે કે ૨૫થી વધારીને ૫૦ ટકા કરી દેવાયો છે. ભારત ઉપર લાદવામાં આવેલા ઉંચા ટેરિફને પગલે અમેરિકામાં ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે જેથી ખરીદીમાં ઘટાડો થશે અને ભારતમાંથી નિકાસ ઘટશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ડાયમંડ અને જ્વેલરી ઉપર ૧૩.૫ ટકા સુધીનો ટેરિફ હતો પરંતુ ૧ ઓગસ્ટથી ૨૫ ટકા અને ત્યારબાદ ૫૦ ટકા કરી દેવામાં આવ્યો છે.
અમેરિકામાં એક્સપોર્ટના વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ના શરૂઆતના છ મહિનાના સમાન ત્રણ વર્ષના સરેરાશ આંકડા ઉપર નજર કરીએ તો ૨૯૬૮.૪૮ મિલિયન ડૉલરથી ઘટીને ૧૪૯૪.૧૧ મિલિયન ડૉલર થઈ ગયું છે. આ બાબત ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે, ઊંચા ટેરિફની અસરથી માત્ર નિકાસ નહીં પરંતુ રોજગારી ઉપર પણ અસર જાેવા મળશે. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ડાયમંડ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. રત્નકલાકારો ઘર ચલાવવા માટે રોજગારીના અન્ય વિકલ્પ શોધી રહ્યા છે અને સંતાનોના અભ્યાસ માટે સરકારની સહાય ઉપર ર્નિભર છે. આવા સંજાેગોમાં ૫૦ ટકા ટેરિફના કારણે માત્ર સુરત જ નહીં પરંતુ મુંબઈના રત્નકલાકારની સાથે ડાયમંડ ઉદ્યોગ થકી રોજગારી મેળવનાર માટે મોટું સંકટ ઊભું થયું છે.
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટે જણાવ્યું હતું કે, જે રીતે આપણા દેશમાં સોનું વ્યવહાર સાથે સંકળાયેલું છે એટલે કે શુભપ્રસંગથી લઈને ખુશીના પ્રસંગમાં સોનું ગિફ્ટમાં આપવામાં આવે છે. આ ઉપરાંત લોકો રોકાણ માટે પણ સોનું ખરીદે છે. તેવી જ રીતે અમેરિકન નાગરિકોના વ્યવહારમાં ડાયમંડ છે. દુનિયાના ૧૦ હીરામાંથી ૯ હીરા સુરતમાં બનતા હોય અને ભારત એકમાત્ર એવો દેશ છે જે અમેરિકાને જાેઈએ તેટલા પ્રમાણમાં ડાયમંડ પૂરો પાડી શકે છે. પરંતુ, હવે ઊંચા ટેરિફના કારણે રોજગારી ઉપર પણ તેની અસર દેખાશે.
ડાયમંડના કારીગરો લેબગ્રોન ડાયમંડમાં ડાયવર્ટ થઈ જાય તો રોજગારી મળી રહેશે. પરંતુ ઊંચા ટેરિફની અસર હાલ પૂરતી રોજગારી માટે અસર કરશે એવું જણાય છે.
