
‘સિંગરને કોઇ રોયલ્ટી નથી મળતી, માત્ર રૂ. ૧૦૧ મળે છે’
કનિકાએ આરોપ લગાવ્યો છે કે સિંગરને ઇન્ડસ્ટ્રીમાં ગીત ગાવા માટે રૂપિયા નથી આપવામાં આવતાબોલિવૂડને ‘બેબી ડોલ’ અને ‘ચિટ્ટીયાં કલાઇયા’ જેવા સુપરહિટ ગીત આપનારી સિંગર કનિકા કપૂરે ઇન્ડસ્ટ્રીમાં સિંગર્સ સાથેના વર્તનને લઈને ચોંકાવનારી વાત કહી છે. કનિકાએ આરોપ લગાવ્યો છે કે સિંગરને ઇન્ડસ્ટ્રીમાં ગીત ગાવા માટે રૂપિયા નથી આપવામાં આવતા. કનિકાએ દાવા સાથે કહ્યું કે મ્યૂઝિક પ્રોડયૂસર્સ સિંગર્સને કોન્ટ્રેક્ટમાં રોયલ્ટી તરીકે માત્ર ૧૦૧ રૂપિયા જ આપે છે.કનિકા કપૂરે હાલમાં જ ઉર્ફી જાવેદના પૉડકાસ્ટમાં મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીને લઈને પોલ ખોલી હતી.તેણે કહ્યું કે,’ઘણા સિંગર્સ જે સ્ટ્રગલ કરી રહ્યા છે, મને નથી લાગતું કે ઘણા સિંગર્સને ગીત ગાવા માટે રોયલ્ટી મળતી હશે. જ્યારે તેમને કોઈ ગીત ગાવાની તક મળે છે ત્યારે રોયલ્ટીના નામે તે સિંગર્સને માત્ર રૂ. ૧૦૧ મળે છે, આવું એટલા માટે થાય છે કારણકે ઘણા પ્રોડયૂસર્સને એવું લાગે છે કે તે સિંગર્સ પર કોઈ ઉપકાર કરે છે,’ જ્યારે ઉર્ફી જાવેદે કનિકાને સવાલ કર્યાે કે શું ખરેખર સિંગર્સને રૂપિયા નથી મળતા તેનો જવાબ આપતા સિંગરે કહ્યું કે, ‘ના, સિંગર્સને રોયલ્ટી મળતી નથી. હું બધા કોન્ટ્રેક્ટ દેખાડુ છું, ૧૦૧ રૂપિયા મળે છે, હું કોઈનું નામ લીધા વગર જાણીતા સિંગર્સ વિશે પણ જણાવી શકું છું, કે તેમને તેમના ટોપ ગીત માટે રોયલ્ટી નથી મળી રહી’. કનિકા એ આગળ કહ્યું કે, ‘સિંગર્સ માત્ર લાઈવ શો અને કોન્સર્ટ્સ દ્વારા જ સૌથી વધુ પૈસા કમાય છે. સિંગર્સ માટે કોઈ પેન્શન પ્લાન ઉપલબ્ધ નથી.કનિકા કપૂરની વાત કરીએ, તો તેની પર્સનલ લાઈફ ખૂબ ચર્ચામાં રહી છે. માત્ર ૨૫ વર્ષની ઉમરે તે ત્રણ બાળકોની મા બની ગઈ હતી, કારણ કે તેના લગ્ન ૧૮ વર્ષની ઉમરે જ થઈ ગયા હતા.
