
ખાનગી શાળાઓની મનમાની રોકવા માટે, દિલ્હી સરકારે વટહુકમ દ્વારા દિલ્હી સ્કૂલ એજ્યુકેશન ટ્રાન્સપરન્સી ઇન ફિક્સેશન એન્ડ રેગ્યુલેશન ઓફ ફી બિલ 2025 લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
નિયમનું ઉલ્લંઘન કરવાથી 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને શાળાની માન્યતા રદ થઈ શકે છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. હવે તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે લેફ્ટનન્ટ ગવર્નર પાસે મોકલવામાં આવશે.
29 એપ્રિલના રોજ, દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં દિલ્હી સ્કૂલ એજ્યુકેશન ટ્રાન્સપરન્સી ઇન ફિક્સેશન એન્ડ રેગ્યુલેશન ઓફ ફી બિલ 2025 ને મંજૂરી આપવામાં આવી હતી. તેને કાયદો બનાવવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેને કોઈ કારણોસર મુલતવી રાખવામાં આવ્યું હતું.
આ કારણોસર, હવે તેને વટહુકમ દ્વારા લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ વટહુકમ 1 એપ્રિલથી અમલી માનવામાં આવશે. કેબિનેટનો આ નિર્ણય દિલ્હીની ખાનગી શાળાઓમાં ભણતા બાળકો અને તેમના માતા-પિતાના હિતમાં છે.
હવે તેમનું આર્થિક શોષણ થઈ શકશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ સબકા વિકાસ’ સંકલ્પ અને લોકોના જીવનને સરળ, પારદર્શક અને ગૌરવપૂર્ણ બનાવવાના વિચારથી પ્રેરણા લઈને, દિલ્હી સરકારે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. આનાથી ૧૬૭૭ ખાનગી શાળાઓની મનમાની બંધ થશે.
મુખ્ય જોગવાઈઓ:
દરેક શાળા એક શાળા સ્તરની ફી નિયમન સમિતિ બનાવશે. આ સમિતિમાં શાળા સંચાલનના અધ્યક્ષ, સભ્ય સચિવ તરીકે આચાર્ય, ત્રણ શિક્ષકો, પાંચ વાલીઓ શામેલ હશે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ સમુદાયના સભ્યો અને ઓછામાં ઓછી બે મહિલાઓનો સમાવેશ ફરજિયાત રહેશે. શિક્ષણ નિયામક દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ સુપરવાઈઝર તરીકે કામ કરશે. સમિતિની મંજૂરી પછી ત્રણ વર્ષ સુધી ફી વધારી શકાય છે.
ફી વધારવાનો નિર્ણય ૧૮ મહત્વપૂર્ણ પરિમાણો પર આધારિત હશે, જેમાં શાળાના મકાન અને વર્ગખંડની સ્થિતિ, શાળાની નાણાકીય સ્થિતિ અને વિજ્ઞાન પ્રયોગશાળા, પુસ્તકાલય અને રમતના મેદાનની ગુણવત્તાનો સમાવેશ થાય છે. શાળા સ્તરની સમિતિઓની રચના ૩૧ જુલાઈ સુધીમાં કરવામાં આવશે અને તેમણે ૩૦ દિવસમાં પોતાનો અહેવાલ સુપરત કરવાનો રહેશે. જો ૧૫ ટકા વાલીઓ સમિતિના નિર્ણય સાથે સહમત ન હોય, તો તેઓ જિલ્લા સ્તરીય સમિતિ સમક્ષ અપીલ કરી શકે છે.
જો શાળા સ્તરીય સમિતિ સમયસર તેમની ભલામણો રજૂ કરવામાં નિષ્ફળ જાય, તો આ મામલો જિલ્લા સ્તરીય સમિતિને મોકલવામાં આવશે. જો હજુ પણ મુદ્દો ઉકેલાશે નહીં, તો સાત સભ્યોની રાજ્ય સ્તરીય સમિતિને અંતિમ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવશે.
