
IPL-2025માં રવિવારે ક્વોલિફાયર-2 રમાઈ હતી, જેમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. પંજાબ બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. અગાઉ વર્ષ 2014માં ટીમે ટાઇટલ મેચ રમી હતી.
આ સિઝનનો અંતિમ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં પંજાબ કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે.
પંજાબ કિંગ્સની ઐતિહાસિક જીતમાં કેપ્ટન શ્રેયસ ઐયરે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઐયરે 41 બોલમાં આઠ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ખેલાડીને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ મળ્યો હતો.
ઐયરે આ સિઝનમાં અત્યાર સુધીમાં 16 મેચ રમી છે, જેમાં 54.82 ની સરેરાશથી કુલ 603 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેના બેટમાંથી 6 અડધી સદી ફટકારાઈ છે.
આ સાથે, ઐયરે એકમાત્ર કેપ્ટન બન્યો જેના નેતૃત્વમાં ત્રણ અલગ અલગ IPL ટીમો ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા શ્રેયસ ઐયરે 2020 માં દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડ્યું હતું, જ્યારે 2024 માં KKR.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા.
મુંબઈ માટે તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે 44-44 રનની ઇનિંગ રમી હતી, જ્યારે જોની બેયરસ્ટોએ 38 અને નમન ધીરે 37 રનનું યોગદાન આપ્યું હતું. વિરોધી ટીમ તરફથી અઝમતુલ્લાહ ઉમરઝાઈએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
જવાબમાં પંજાબ કિંગ્સે માત્ર 19 ઓવરમાં જીત મેળવી હતી. ટીમ માટે કેપ્ટન ઐયરે સૌથી વધુ 87 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેણે નેહલ વાઢેરા સાથે ચોથી વિકેટ માટે 84 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. મુંબઈ તરફથી અશ્વિની કુમારે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
