
બુધવારે વહેલી સવારે ગ્રીસમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ ગ્રીક ટાપુ ક્રેટ નજીક અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે તેના હળવા આંચકા ઇજિપ્તથી ઇઝરાયલ સુધી અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો ગભરાઈ ગયા. તે જ સમયે, સુનામી અંગે ચેતવણી પણ જારી કરવામાં આવી છે. લોકોને તાત્કાલિક દરિયા કિનારાથી દૂર જવા માટે કહેવામાં આવ્યું છે.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, બુધવારે ગ્રીક ટાપુ ઇલેસ નજીક 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ ૮૩ કિલોમીટર (૫૨ માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપનો આંચકો ઇજિપ્ત સુધી અનુભવાયો હતો, જ્યાં નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોનોમી એન્ડ જીઓફિઝિક્સે તેની પુષ્ટિ કરી છે. હાલમાં, ભૂકંપના આંચકાથી કોઈ નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી.
ગ્રીસમાં તીવ્ર ભૂકંપના આંચકા
ક્રેટ ટાપુ નજીક તીવ્ર ભૂકંપ અનુભવાયા બાદ ગ્રીક કટોકટી સેવાઓએ લોકોને દરિયાકાંઠેથી દૂર જવા ચેતવણી આપી છે. “કાસોસથી 48 કિમી [દક્ષિણપૂર્વમાં] 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તમારા વિસ્તારમાં સુનામીનું જોખમ છે. તાત્કાલિક દરિયાકાંઠેથી દૂર ખસી જાઓ,” આબોહવા કટોકટી અને નાગરિક સુરક્ષા મંત્રાલયે તેના 112 ગ્રીસ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું.
ઇજિપ્ત અને ઇઝરાયલ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
ગ્રીસમાં આવેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તેની અસર ઇજિપ્ત અને ઇઝરાયલમાં પણ અનુભવાઈ હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 1.51 વાગ્યે આવ્યો હતો. ભૂકંપના આંચકા ઇજિપ્તના કૈરો તેમજ ઇઝરાયલ, લેબનોન, તુર્કી અને જોર્ડનમાં અનુભવાયા હતા.
