
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્યમાન આરોગ્ય મંદિર – પેટા આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય કેન્દ્ર પર જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશ્વ હડકવા દિવસની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. જખવાડા અને કરકથલ ખાતે અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈ દ્વારા હડકવા રોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કોઈપણ પ્રાણી કરડે તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સમજ આપવામાં આવી હતી. કોઈપણ પ્રાણી કરડે તો તુર્તજ તેને હડકવા વિરોધી રસી પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત કોઈપણ સરકારી દવાખાનામાં લેવી જોઈએ. આ રસી વિના મૂલ્ય આપવામાં આવે છે. રેબીઝ (હડકવા) એક જીવલેણ બીમારી છે જેનો બચાવ પૂર્ણ રીતે સંભવ છે. હડકવા કુતરા બિલાડી વાંદરા જેવા પ્રાણીઓના કરડવા તથા નહોર મારવાથી થાય છે.
કોઈપણ પ્રાણી કરડે તો ઘા ને સાબુ અને વહેતા પાણીથી તુરંત જ ધોઈ લેવા અને સ્પિરિટ/આલ્કોહોલ અથવા ઘરગથ્થુ એન્ટિસેપ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ. ઘા પર મરચું, સરસવનું તેલ ઈત્યાદી જેવા કોઈ અન્ય પદાર્થ લગાડવા નહીં અને અંધવિશ્વાસથી બચવું. અમદાવાદ જિલ્લામાં દર અઠવાડિયે આશરે 200 જેટલા વ્યક્તિઓને હડકવા વિરોધી રસી વિનામૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા રોગચાળ નિયંત્રણ અધિકારી દ્વારા કોઈપણ પ્રકારે તમાકુનું સેવન ન કરવા માટે અપીલ કરી હતી. “જિંદગીને હા તમાકુને ના”.
